બપોર નું ટાણું, સુરજ નારાયણ ઉપર આવેલા. ચૈત્ર-વૈશાખ નો ખુબ જ તાપ, એવે ટાણે અઢાર વરસની ની એક રાજપૂતની કન્યા નામ એનું સુજાનબા.. ગામની સીમમાં પોતાના બાપુને ભાત દેવા માટે રાજપૂતની દીકરી એકલી નીકળી છે…પણ રાજપૂત અને ચારણ ની દીકરી હોય એને પોતાની મર્યાદા ની ભાન હોય એ સ્વાભાવિક જ હોય. પણ રૂપ ,ગુણ, અમીરાત,ખમીરાત, ચારિત્ર ,લાજ સતીત્વ… આ બધું ભેગુમાલી એક રૂપમાં સામે ને હાલ્યું જાતું હોય એવી રાજપૂતાણી લાગતી હતી. ધીરા ધીરા ડગલાં ભરતી જાય, ક્યાંક પોતાના માવતરે આપેલી શિખામણો ને યાદ કરતી જાય, પોતે ક્ષત્રિયાણી છે એ વાતના અભિમાન માં હરખાતી જાય.વળી ક્યાંક ચારણ આઇ ની ચરજુ ગણગણ્યા કરે છે… અઢાર વરસની રાજપૂત ની દીકરી ધીરી ધીરી ડગલાં ભરતી એકલી હાલી જાય છે. એમાં પાછળથી ઘોડલાં આવતા હોય એવો અવાજ સંભળાણો.. અવાજ કાને પડતાં સુજાન ઘોડાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગઈ. પણ ઘોડા આગળ ના નીકળ્યા પણ એ રાજપૂત દીકરી ને ફરતે ગોળ કુંડાળામાં ઉભા રઇ ગયા… ઘોડેઅશ્વર ના લીલા વેશ છે. મોટી દાઢીયું છે…. આવા ઘોડેઅશ્વરો રાજપૂત ની દીકરીને કૂંડાળે લીધી છે અને ઈ દળના મોભીએ (નવાબે) દીકરીને પૂછયું કે તું કોણ છો અને ક્યાં જાઓ છો?