જેવી રીતે નાના બાળકને સમજાવી ફોસલાવી નિશાળે ભણવા લઈ જાય, એવી જ રીતે એકવીસમી સદીના પ્રારંભે ૧૬ જાન્યુઆરી ૨૦૦૧ ના દિવસે સગા સ્નેહીઓ ભેગા મળી એક મૂરતિયાને સમજાવી ફોસલાવી ગૃહસ્થાશ્રમની પાઠશાળાએ ભણવા લઈ ગયા. પગથીએ ઊભો રાખી ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે સાસુમાએ નાક ખેંચી મંડપ પ્રવેશ કરાવ્યો. જમણી બાજુ બેઠેલી જાનડીયુ મીઠા મધુરા ગીતાે ગાતી હતી તો ડાબી બાજુ ડાબેરીઓ જેવી માંડવીયુ ભવા ચડાવીને ફટાણા ફોડતી હતી, તો પાછળ બેસી માંખ્યુ ઉડાડતુ મિત્રવર્તુળ માંડવીયુ ઉપર નજર માંડીને પોતાનુ ભવિષ્ય શોધવામા મશગૂલ હતું. એવામાં ગોરદાદાએ ખભે ગમ્છો નાંખી હાકલો પાડ્યો ‘સમય વર્તે સાવધાન..., કન્યા પધરાવવાનો સમય...!!! ત્યાં તો યુવાનીના ઉંબરે ઊભેલી એક નાજુક નમણી નારને બાવડુ પકડી બહેનપણીઓ માંડવામા લઈ આવી. વાશી ઉત્તરાયણના પતંગને લંગર નાખી લપેટે એમ કન્યાએ વરરાજાની ડોકમાં વરમાળા નાંખી લૂંટી લીધો. કુંવારા ભાઈબંધોએ પોતાના શમણાઓને દબાવીને તાળીઓના ગડગડાટથી પ્રસંગને વધાવી લીધો. ગોરદાદાએ બે છેડાની ગાંઠ બાંધી ત્યાં તો જાનડીયુએ ગીત ઉપાડ્યું...,
રામે ધનુષ્ય ભાંગ્યુ રે સદાશિવનું રે...
ત્યાં તો આવ્યા છે પરશોરામ,
ધનુષ્ય કોણે ભાંગીયુ રે...!
આ સમગ્ર ઘટના મે બાળકની જે મૂકસાક્ષીભાવે નિહાળી એના આજે અઢાર વર્ષ પૂર્ણ થયા. જે ગાંઠ બાંધી ગોરદાદાએ નવો સંબધ અમલમા મૂકાવ્યો એ સંબંધમાં આજ સુધી ગાંઠ પડવા દીધી નથી, ક્યારેક ગાંઠ પડી છે તો સરકણી રાખી તુરંત જ છોડી નાંખી છે. જો કે ગાંઠમાં રસ પણ કયા હોય છે...? પછી એ શેરડીના સાંઠામાં હોય કે સંબંધોમાં...?
# ગાંઠ વગરના ગઠબંધનની અઢારમી વરસગાંઠ #
<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>
<ins class="adsbygoogle"
style="display:block; text-align:center;"
data-ad-layout="in-article"
data-ad-format="fluid"
data-ad-client="ca-pub-1981544636465296"
data-ad-slot="7514924522"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો