અમારુ કાઠિયાવાડી ભાણું...!
હેમાળાનો ટાઢોબોળ વા વાતો હોય, કડકડતી ટાઢ્યમાં ભૂખ ભમરાળી ગાંડી થઈ હોય એવામાં વાળુટાણે ચાંચ બંદરનો દેશી બાજરો ઘંટલે દળ્યો હોય, લાકડાની કથરોટમાં સાત પાણીએ લોટ મહળ્યો હોય, ત્રણ પાણાનો મંગાળો કરી અડાયા છાણાંના ધીમા તાપે રોટલો ચડવ્યો હોય અને એ ફુલેલા દડા જેવા રોટલા ઉપર જાફરાબાદી ભેંસના માખણનો લોંદો લહરતો જાતો હોય, શિયાળબેટના રીંગણાને ભઠ્ઠામાં શેકી માંડવીના તેલમાં વધારેલો ઓળો હોય ને માથે કોથમીરના પાંદડા વેરેલા હોય, થાળીની કોરે અડીંગો જમાવી બેઠેલો રબડાનો દેશી ગોળ ચટણી હારે વાતો કરતો જતો હોય અને બાજુમાં લીલી હળદરના ગોળ પતીકા ટોળું વળીને ઊભા હોય, રાયના બોળાવાળી દેશી ગાજરની ચીરિયું રાહે બેઠીયુ હોય, કડવા કોઠીંબડાંની કાચરીઓ મોઢું ફાડીને હહતી હોય, કાંહાની તાહળીમાં ભગરી ભેંસનું શેડકઢુ દુધ દેખા દેતું હોય અને એવામાં જો ભઠ્ઠે શેકેલા ગોંડળીયા બે લાલ મરચા થાળીમાં ધૂબકો મારે તો ધબધબાટી બોલાવી દેય....!
રોટલો અને મરચું અમીર અને ગરીબ બન્નેના ભાઈબંધ, આ બન્નેની જુગલબંધી તો જમાવટ કરાવી દેય. ગુજરાતીમાં પણ જો વધારે તીખા માણસો હોય તો અમે કાઠિયાવાડી..., બાળપણમાં ગામડે બાપાની બાજુમાં વાળુ કરવા બેસતા ત્યારે બાપા શેકેલા મરચાની છાલ ઉખાડીને અમારી થાળીમાં મૂકતા ત્યાથી અમને કાઠિયાવાડી છોકરાઓને તીખા મરચા ખાવાની તાલીમ મળતી. મેથીયા મરચા, રાયતા મરચા અને બોળીયા ખાટા મરચા. આ ડીશ આગળતો ફુડ ફેસ્ટીવલની ડીશ પણ ભોંઠી પડે હો...બાપા...!
આ બધી મોજ લેવી હોય તો મારે ઘેર મે’માન થાઉં પડે....!!!
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો